બાયલો છે લા આતો…બૈરીનો માર ખાય છે!!

અંકિતે ભારે મનથી તેના મિત્રોની દારુની મહેફિલમાં જવાની હા પાડી.તેના મિત્રો અમદાવાદ- ગાંધીનગર હાઈવે પરના એક ફાર્મ હાઉસ ઉપર વારે વારે આવી દારુ અને ડાન્સ પાર્ટી રાખતા અને દર વખતે અંકિતને પુછતા હતા પણ કે તો તેની પત્નીની બીકે અથવા ઓફિસના ઓવરટાઈમ ના લીધે અથવા પોતાની ધાર્મિક વૃતિના કારણે તે હંમેશા કંઈક બહાનું બનાવી જવાનું ટાળી દેતો, પણ આજે તેના મિત્રોને થોડો ઝટકો લાગ્યો કે તેણે એક જ વારમાં હા પાડી દીધી!!

જેણે ક્યારેય દારુને હાથ પણ નહોતો લગાવ્યો તે આજે તેના બેવડા દોસ્તારો કરતાં પણ વધારે પી ગયો હતો.અંકિતનું હ્યદય વેદનામાં વલખાં મારી રહ્યું હતું. તેને એમ કે ફિલ્મોની જેમ શરાબ તેના દર્દને શમાવશે પણ આતો ઉલ્ટું થયું.. શરાબે બળતામાં વધારે ઘી હોમ્યું.. પ્રતિક તેનો નાનપણનો મિત્ર હતો.. તે પણ પીધેલી હાલતમાં હતો પણ પારખી ગયો હતો કે અંકિતના મનમાં કંઈક તો ગડબડ અને ઉથલ પાથલ ચાલી રહીછે..પ્રતિકે તેની પાસે આવી તેના ખભા પર હાથ મૂક્યો, “શું બે આમ મરેલો મડદા જેવો બેઠો છું? શું થયું બોલ??”

અંકિત કાંઈ જ બોલ્યા વગર પ્રતિકને ભેટી પડ્યો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો..આસપાસ બેઠેલા બધા તેને જ જોઈ રહ્યા હતા. થોડી વાર પછી પ્રતિકે પૂછ્યું , “અલા પણ શું થયું એ તો કહે?”, અંકિતે શર્ટ ઉંચુ કરી તેની પીઠ ઉપર અને હાથ ઉપર પડેલ ઘા ના નિશાન બતાવ્યા.. તેના બધા મિત્રો ચોંકી ગયા… અને પૂછવા લાગ્યા, કોણે માર્યો તને? અંકિતે નજર મિલાવ્યા વિના ધ્રુજતા સ્વરે કહ્યું,  “કોમલ...મારી વાઈફે!!”

બે મિનિટ માટે બધા જ અવાક્ રહી ગયા.. કોઈ કાંઈ જ ના બોલ્યું..ટાંકણી પડે તોય અવાજ આવે.. આવી શાંતિને ભંગ કરતી પ્રતિકે તાલીઓ પાડવા માંડી અને જોર જોરથી હસવા લાગ્યો…ત્યાં ઉભેલા બધા જ અંકિતનો મજાક ઉડાવવા લાગ્યા અને હસવા લાગ્યા…
“બાયલો છે, લા આતો…બૈરીનો માર ખાય છે..”
“થું છે તારી મર્દાનગી ઉપર.”
“છક્કો  છું લા??”  

એક જણે અંકિતનો રડતો વિડીયો ઉતારી લીધો અને ફેસબુક પર શેર કરી લીધો… રાતોરાત લોકો શેર કરવા માંડ્યા અને અંકિતની ખિલ્લી ઉડાવવા લાગ્યા… અંકિત આ બધુ જોઈ હેબતાઈ ગયો હતો.. તેના મનમાં એક મોટો ડર હતો ક્યાંક આ બધુ તેની વાઈફ કોમલ જોઈ ન લે…

અંકિત ડરતો ડરતો ઘરે ગયો.. અને જે વિચાર્યું તેમ જ થયું.. પહેલા કોમલનો ગુસ્સો , પછી ગાળો અને એક લોખંડના સળિયાથી પીઠ અને સાથળ ઉપર ઉપરાછાપરી ઘા… ગમે તેમ કરી પોતાની જાતને છોડાવી અંકિતે પોતાની જાતને રુમમાં પુરી લીધી.. કોમલને એમ કે ક્યાં જશે.. સવારે એની વાત..

સવારના 10 વાગી ગયા હતા.. હજી સુધી અંકિત બહાર આવ્યો ન હતો.. કોમલ થોડી ગભરાવા લાગી..બહુ વાર દરવાજો ખખડાવ્યો તો પણ ખોલ્યો નહીં… આસપાસના લોકોને બોલાવીને દરવાજો તોડાવ્યો અને બધાની આંખો ફાટી ગઈ.. અંકિતે તેની પત્નીના ત્રાસ અને સમાજની ટીકાથી કંટાળીને પંખા પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો…

તમને કદાચ આ કાલ્પનિક વાર્તા લાગી રહી હશે.. પણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા અનુસાર દર વર્ષે ભારતમાં 3 કરોડથી વધુ પુરુષો ઘરેલું હિંસાનો ભોગ બને છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘરેલું હિંસાના કારણે મહિલાઓ કરતા આત્મહત્યા કરનારા પુરુષોની સંખ્યા વધારે છે અને ભારતમાં પુરુષોને ઘરેલું હિંસા સામે રક્ષણ આપતો કોઈ જ કાયદો નથી… મોટા ભાગના કિસ્સાઓમાં પત્નીના સંબધીઓ દ્વારા હિંસા કરવામાં આવતી હોવાથી મહિલાઓ આબાદ બચી જાય છે…

સમાજ આખો એમ કહે છે છોકરીઓ બહું મહાન હોય છે પોતાનું ઘર છોડીને પારકાં ઘરે જાય છે...અરે છોકરાઓ પણ કરે એવું પણ ત્યારે આ જ સમાજ એને ઘરજમાઈ , નક્કામો , નામર્દ કહીને તેનું જીવન નર્ક બનાવી દે છે..

સ્ત્રીઓ બાળકને જન્મ આપે છે એટેલે આ સંસારચક્ર ચાલે છે..પણ મને દુનિયાની એક સ્ત્રી પુરુષની મદદ વિના બાળકને જન્મ આપીને બતાવી દે તો ખરી..

પરણિત સ્ત્રીઓ પર પુત્રને જન્મ આપવા અને દહેજ માટેના અત્યાચારો મોટા ભાગે તેની સાસું અને નણંદ દ્વારા જ કરવામાં આવે છે.. એટલે કે સ્ત્રીઓ જ સ્ત્રીઓ પર અત્યાચાર કરે અને બદનામ થાય બિચારા પુરુષો…

કોઈ છોકરી ના ભણે કે ભણી ગણીને કામ ના કરે તોય શું!? આખી બપોર બેસીને ટીવી પર સિરિયલ્સ જોયા કરે તોય શું!?  અને બિચારો પુરષ એક દિવસ પોતાની મરજીથી રજા લે તો આખું ગામ પુછવા આવે કેમ લા કામે નથી ગયો? કામ ધંધો નથી? નોકરી છૂટી જાય અને બીજુ કામ ના મળે ત્યાં સુધી સંસાર આખાને તેની મર્દાનગી પર શંકા આવે… અને કોર્પોરેટ જગતમાં સ્ત્રીની સુંદરતાએ તો કેટલાંય કુશળ યુવાનોની કારકીર્દી અને પ્રમોશનસ્ નો ભોગ લીધે છે..


કોઈ છોકરીની આંખમાંથી એક આંસુનું ટીપુ સરી પડે ત્યાંતો બધા તેને આશ્વાસન આપવા આવી જાય છે. પણ એક પુરુષ આખા ઘરનો ખર્ચ નિભાવવા , પોતાના સ્ટેટસને જાળવવા, બાળકોના ખર્ચા કાઢવા અને ઉછેરવા, પત્નીના મોજ શોખ અને શોપિંગ માટે  કેટ કેટલા માન અપમાન સહન કરે છે અને કેટલા જુગાડ કરે છે એની કોઈએ ક્યારે નોંધ પણ લીધી છે…

અહીં વાત સ્ત્રીઓને નીચી ગણવાની કે તેમને ઘૃણા કરવાની નથી.. આજે મહિલા સશક્તિકરણના દોર માં એ ના ભુલી જવું જોઈએ કે કુદરતે લાગણીઓ અને ભાવનાઓ માત્ર સ્ત્રીમાંજ નહીં પુરુષમાં પણ મુક્યા છે…ક્યારેક મા બાપે દીકરાને કેમ છોકરીની જેમ રડે છે એવું કહેવાના બદલે તેને છાતી સરસો ચાંપી બે ઘડી હુંફ આપવી જોઈએ.. કેટલાંય નિર્દોષ યુવાનો દહેજના , ઘરેલું હિંસાના અને બળાત્કારના ખોટા આરોપોમાં જેલની હવા ખાઈ રહ્યા છે જેના સામે રક્ષણ આપતો કાયદો અને માનસિકતા બન્ને ની તાતી જરુરિયાત વર્તાઈ રહી છે.


photo source : internet 
get in touch : +91 9067696577 or vijayshah113@gmail.com




Comments

Post a Comment

Popular posts from this blog

તર્ક , વિતર્ક, કુતર્ક

शादी तो नहीं हुई पर संसार आज भी राधा- कृष्ण ही जपता हे!!